Monday, January 31, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૨

પાછલા ૪ - ૫ મહિનામાં મને જાત-જાતની જવાબદારીઓ આપવામાં આવી. શરૂઆતમાં મને કેપેસીટી બિલ્ડર તરીકે પોર્ટ-ઔ-પ્રિન્સ ટીમ સાથે કામ કરવાની જવાબદારી આપી. અહી મારું કામ મારી ટીમ સાથે મળીને અમારી ૬ સાથી સંસ્થાઓની ક્ષમતા વિકાસ કરવાની હતી. લગભગ એક મહિનામાં આ કામ પૂરું કર્યું. કોલેરા મહામારી ફાટી નીકળતા મને તાત્કાલિક "અર્તીબોનીત" નામના વિસ્તારમાં મોકલવામાં આવ્યું. આર્તીબોનીત એક ગ્રામિણ વિસ્તાર હતું. આ વિસ્તારમાં મેં લગભગ ૩૪ દિવસ કામ કર્યું. આ દિવસો દરમિયાન મેં અંદાઝે ૧૨૮ ગ્રામોની મુલાકાત લીધી. મુખ્ય કામ લોકો માં સ્વચ્છ પાણી, સંડાસ નો ઉપયોગ અને હાથ ધોવા વિષે જાગૃતિ લાવાનું અને આમ કરવા માટે બને તેટલી મદદ કરવી. આ ૩૪ દિવસોમાં ૩૨,૦૦૦ ઘરોને કોલેરાથી બચવા માટે જરૂરી વસ્તુઓ જેમ કે ક્લોરીન ટીકડી, સાબૂ, બાલદી, વગેરે આપી. આ સિવાય તે વિસ્તાર ના રેડીઓ પર સતત કોલેરા વિષે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો અને જાહેરાતો કરી. અઠવાડીક બજાર માં પણ માઈક પર જાહેરાતો કરી. સતત જાહેર સભાઓનું આયોજન કર્યું.

મને યાદ છે મારી પહેલી જાહેર સભા. જેવી મેં સભા ચાલુ કરી, ત્યાં અંદાઝે ૪૦૦ થે ૫૦૦ લોકો હતા, એક વ્યક્તિ એ સભા માં આયો અને મોટે થી રડવા લાગ્યો. કારણ પૂછતા એણે જણાવ્યું કે એના ભાઈનું દવાખાનામાં હમણાં જ અવસાન પામ્યો અને એનું કારણ કોલેરા હતું. જરા એ ભાઈને સાંત્વના આપીને એને દવાખાને રવાના કર્યો. આ ઘટના ની મારી સભા પર સરે અસર પડી. મેં નક્કી કર્યું કે આ ઘટના વિષે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાથી લોકોમાં જાગૃતિ જરૂર આવશે અને બીજા લોકોને મારતા બચાવી શકાય. પરિણામ સારું આવ્યું. આ મોટા ટોળાને મારે વાત માં રસ પડ્યો. બધા એ મારે વાત શાંતિથી સાંભળી.

ચર્ચા સમયે હું લોકોની કોલેરા વિષે ગેરસમઝ તથા અફવાઓનું પ્રમાણ જોઈ ને થોડો ચિંતિત થયો. મેં જયારે પૂછ્યું કે કોલેરા થવાના કારણો શું છે અને જવાબો આવા હતા.
  • ભાત ખાવા થી કોલેરા થાય. 
  • નદી નું પાણી પીવા થી થાય છે 
  • શહેર ના લોકો અમને પસંદ નથી કરતા એટલે એમને આવું કર્યું છે. 
  • બાજુના દેશથી લોકોએ હેલીકોપ્ટર દ્વારા અમારી નદીમાં કશું નાખવામાં આવ્યું છે.
  • નેપાળી લોકોએ આ બીમારી ફેલાવી છે. 
  • શાક ભાજી ખાવા થી થાય છે. 
  • વગેરે વગેરે. 
કોઈ એ પણ એમના કીધું કે આ બીમારી પ્રદુષિત પાણીથી થાય છે. આ ચર્ચા લગભગ ૨ કલાક ચાલી અને બધા શાંતિ થી અને રસ પૂર્વક ભાગ લીધો. ત્યાર બાદ બધાને સાબુ અને ક્લોરીન ટીકડી આપી. આવું અમે બધા ગામડાઓમાં કર્યું. છેલ્લે છેલ્લે મને જોઈ ને બધા મારી પાસે આવીને સાબૂ અને ક્લોરીન ટીકડી માંગવા લાગ્યા. બહુ જ મજા આવી આ કામ કરવાની. સવાર ના ૬ વાગ્યે નીકળીએ અને સાંજે ૭ વાગે પાછા ઓફીસમાં. ઓફીસ આવીને બીજા દિવસની તૈયારી.

આ ૩૪ દિવસ પછી મને પોર્ટ-ઔ-પ્રિન્સ પાછુ બોલવામાં આવું. અહી મને જાહેર આરોગ્ય ના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી. આ ફરજ મારે ફેબ્રુઅરી ૨૦ સુધી બજાવાની છે. ત્યાર બાદ મારે ૨૦મી માર્ચ સુધી કોલેરા કો-ઓર્ડીનેટર તરીકે કામ કરવાનું રહેશે.

વધુ આવતા અંકે.....

1 comment: