Sunday, February 20, 2011

નિબંધ

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. 

સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???” શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ” તેમના પતિએ નિબંધ વાંચ્યો. 

તેમાં તે બાળકે લખ્યું હતું— ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. 

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.” 

Friday, February 18, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૫

કેમ છો? મજામાં ને?

આજે હૈતી માં ૧૫૦ દિવસ પૂરા થયા. આ વાતની ખુશી વ્યક્ત કરતા હું મારા મિત્રોને જમવા માટે લઇ ગયો. એકદમ સસ્તું અને રસ્તા પર વેચાતું અમારું મન પસંદ ભાત અને રસો હતું. મિત્રો એ એમને પસંદ મુજબ જમવાનું પડીકું બંધાવ્યું અને અમે બધા ઓફીસમાં આવેને જમ્યા.

ગઈ કાલે મને એમ લાગ્યું કે હું મારી જાત ને વધારે પડતી જવાબદારીઓ લેવા માટે મજબૂર કરી રહ્યો છું. સાથી સંસ્થા ઓ ને મદદ કરવાનું, પછી કોલેરા માં કામ કરવા નું અને પછી ભૂકંપ ના કાર્યક્રમ માં કામ કરવું. આ ૧૫૦ દિવસ દરમિયાન મેં એક પણ રજા નથી લીધી. શનિવાર અને રવિવાર અને બીજા બધે રજાના દિવસે પણ મેં કામ કર્યું છે. શારીરિક અને માનસિક રીતે ખૂબ જ થાકી જવાય છે. આથી નક્કી કર્યું કે જેટલું બને તેટલું જલ્દી થી ઘરે જવું. ઘેર જઇ ને થોડું આરામ કરવું, સારી રીતે જમવું. છોકરાંઓ જોડે રમવું અને થોડા દિવસ સામાન્ય દિનચર્યામાં જીવવું.

આને અમલીકૃત કરવા માટે મારા અધિકારીઓ ને આ વિચાર ને જાણ કરી અને કહ્યું કે ૧૫૦ દિવસ ઘણા થઇ જાય એક પણ રાજા વગર. ઘણા ખરા અધિકારીઓ મારા વિચાર સાથે સંમત થયા અને હવે બસ થોડા જ દિવસો માં ઘેર. અમુક અધિકારીઓ આવા વિચારથી ખુશ નહિ થાય પણ હું ખુશ છું કે આવો નિર્ણય હું સમય સર લઈ રહ્યો છું. કહેવા નો ભાવાર્થ એમ છે કે દરેક કામ શારીરિક અને માનસિક ક્ષમતા મુજબ થાય તો ખુબ જ સારું. એમાં જો અતિરેક કરવા માં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે. આ ખરાબ પરિણામ જાત ને તંદુરસ્તી, માનસિક શાંતિ, સાથે કામ કરનારા કર્મચારીઓ અને પરિવાર માટે નુકસાન કારક છે. હું ખુશ છું કે મેં આ નિર્ણય લીધું

હવે હું અંદાજે ૧૫ - ૨૦ દિવસ વેલો ઘરે પહોચીશ. લગભગ આવતા અઠવાડીયે મારે હૈતી મુકવાનું થશે. ત્યાર બાદ એક અઠવાડિયું બ્રિટેન માં અને ત્યારબાદ ઘેર. અને હા, ઘેર જઇ ને સૌ થી પહેલા પાણી પૂરી . હા હા હા હા હા....... ઝીંદગી અદ્ભુત છે.

Friday, February 11, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૪

આજે ૩૫ દિવસ બાકી રહ્યા છે હૈતીમાં અને ૪૨ દિવસ બાકી છે ઘરે પહોચવાને. આવું જ કંઇક મારો મિત્ર શ્રીદીપ મને કહેતો હતો. એ પણ લગભગ એ જ સમયે ઘરે જઈ રહ્યો છે. અમે એક વાતથી બહુજ ખુશ છીએ કે આ વખતનો વર્લ્ડ કપ ઘરે જોવા મળશે.

થોડા દિવસો પહેલા અમે વાતો કરતા હતા કે હવે ટીમે આવી ગયો છે કે ઇન્ડિયામાં પાછા જઈએ અને પરિવાર સાથે રહીએ. પણ એ જ સવાલ આવેને ઉભો રહે છે કે ત્યાં જઈ ને કરશું શું? આટલો પગાર આપે એવી નૌકરી માંડવી મુશ્કેલ છે. એ માટે અમદાવાદથી બહાર જવું તો પડે. આમારા ક્ષેત્રમાં આવી નૌકરી દેલ્હી જેવા શહેરમાં મળે પણ ત્યાંના ખર્ચા ઘણા. બીજો રસ્તો એ કે અમે કોઈ ધંધો કરીએ. મગજમાં વિચારો તો ઘણા આવે છે. એમાંથી અમુક વિચારો તો ખુબજ સારા હોય છે અને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આજે આપને આવા જ મગજ ના વિચાર ને વાત કરું. આ વિચારથી હું, શ્રીદીપ અને કમલેશ બહુજ ખુશ છીએ. કમલેશ અમારો ત્રીજો અમદાવાદી મિત્ર છે જે હાલમાં મારી સાથે હૈતીમાં બીજે એક સંસ્થા સાથે કામ કરે છે.

મારી ઈચ્છા એવી છે કે હું અમદાવાદ માં એક ફાસ્ટ ફૂડની દુકાન ચાલુ કરું. આ ફાસ્ટ ફૂડ માં અમે ત્રણે મિત્રો અમારી મન પસંદ વસ્તુઓ લોકોને આપશું. જેમ કે મારી મન પસંદ પાણીપુરી (ભાત ભાત ને પાણી પૂરી એક સ્થાને) , કમલેશ ના મન પસંદ વડા (તમામ જાત ના વાળા એક જ સ્થાને) અને શ્રીદીપને મન પસંદ બધી જાતની ચાટ. આ બધું અમે એક સ્થાને બનાવશું. જો આમાં સફળતા મળે તો પછી અમદાવાદમાં ૧૦ - ૧૨ સ્થાને એના વેચાણ કેન્દ્ર ઉભા કરીશું. આ બધું અમે લોકોને સારી ગુણવત્તા અને સ્વાદને ધ્યાનમાં રાખીને કરીશું. આ કરવામાં અમને પૈસા કમાવા કરતા અમારી મન પસંદ વસ્તુઓ લોકો ને ખવડાવામાં વધુ રસ હશે. અને મને ખાતરી છે કે આ મારા બંને મિત્રો મારી જેમ અમારા પરિવાર, મિત્રો અને અડોશી પાડોશી ને મફત માં જલસા કરાવશું.

આ તો આજે જરા અમે મિત્રો વાત-વાતમાં થોડા વિચારો ના ચગડોળે ચડ્યો તો ને ..........

................... હા બાકી આજે કમલેશે "વેજીટેબલ-જયપૂરી" સરસ બનાવી હતી. આવું સરસ ૫ મહિના પછી જમ્યા જમ્યા બાદ પેટમાં અને દિલમાં ખુબ જ મજા છે. આનંદ આનંદ ને લાગણી છે.

Sunday, February 6, 2011

અંતરની વાણી - હું એક પગારદાર નાગરિક

હું ભારતનો એક પગારદાર નાગરિક છું. હું એવી નૌકરી કરું છું કે જેને "સમાજ સેવા" તરીકે લોકો ઓળખે છે. આવી નૌકરીઓ આકર્ષક નૌકરી તરીકે બહુ પ્રચલિત નથી પરંતુ સમાજના એક બહુજ સામાન્ય ભાગ સ્વરૂપે જોવામાં આવે છે.

હું દરેક ભારતીય પગારદાર નાગરિક તરીકે દરેક કાનૂન નું પાલન કરું છું અને મને લાગુ પડતા તમામ કર સમય સર ચૂકવું છું. એવું લાગે છે કે ભારતના બધા કાનુન પગારદાર વ્યક્તિને ધ્યાનમાં રાખેને બનવામાં આવે છે. અપરાધીઓ, ગુંડાઓ, નેતાઓ, વગેરે આ બધા કર અને કાનુનથી બહાર જ રહેતા હોય છે. એટલે, કર અને કાનુન મારા મુજબ ફક્ત ભારતના પગારદાર નાગરિક માટે જ છે.

હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કર અદા કરું છું. આમ તો આ કર મારા પગાર માં થી સીધે સીધો કાપી જવો જોઈએ, પણ મને પગાર બ્રિટેનથી મળતો હોવાથી મારે અગ્રીમ કર તરીકે જમા કરવો પડે છે. એ પણ વરસ માં ત્રણ વખત. અમુક નિષ્ણાતો ની સલાહ મુજબ મારે કર અદા કરવાનું નથી કારણ કે હું ભારતમાં ૧૮૩ દિવસથી વધુ દિવસો બહાર રહું છું અને મારી આવક બ્રિટેનમાંથી છે. ગયા વર્ષે જ ખબર પડી કે નિયમ માં હજુ થોડું વધારે ગુચવાડો છે. એ નિયમ મુજબ જો હું પાછલા ૪ વર્ષ માં ૩૬૫ દિવસ થી વધુ ના રહ્યો હોઉં તો જ મારે કર અદા ના કરવું. નહીતર કર અદા કરવું. મેં આ વિષે જયારે આયકર અધિકારીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે મારે કોઈ કર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હું લગભગ ૧૦ જેટલા કર નિષ્ણાત પાસે ગયો. દરેક ને સલાહ જુદી. કારણ જુદા અને રસ્તા જુદા. મેં નક્કી કર્યું કે હું એક પગારદાર નાગરિક તરીકે હું કર અદા કરીશ. હું દરેક વર્ષે મારી આવક અને નાણાંનું ખુબ જ સમઝ પૂર્વક અને નિષ્ણાતોની સલાહ મુજબ આયોજન કરું છું. બરોબર આવી જ રીતે માનનીય નાણાં મંત્રીશ્રી પણ મારા જેવા તમામ પગારદાર વર્ગનું નાણાકીય આયોજન નિષ્ફળ કરવા માટે આયોજન પૂર્વક તૈયાર હોય છે. આ એક માત્ર સૌથી મોટી આવક છે ભારત સરકારની "ડાઈરેક્ટ - ટેક્ષ" તરીકે. ભારત માં મારી જેવા ૩.૫ કરોડ પગારદાર લ્કોક છે જેઓ કર અદા કરે છે, એટલે કે ભારતની ૧૨૦ કરોડ ને વસ્તીમાંના અંદાજે ૩% લોકો. બાકીના લોકો શું કર અદા નથી કરતા?

હું એક પગારદાર નાગરિક તરીકે સફેદ નાણું કમાવું છું. બાકી ઘણી ખરી જગ્યાએ કાળું નાણું રાજ કરે છે. કદાચ ભારત સરકાર અને આપના દેશના નાણાં મંત્રીશ્રીનું એવું માનવું છે કે આ કાળું નાણું ભારતમાં છે જ નહિ. એટલે જેમ બને તેમ અને જેટલું બને તેટલું આ પગારદાર વર્ગ પાસેથી જ કર ઉઘરાવવું. કોઈ એવું માનવા તૈયાર જ નથી કે ભારતમાં કાળા નાણાં અને સફેદ નાણાંની સમાન અર્થવ્યસ્થા ચાલે છે. કાળા નાણાંને સફેદ કરવા અથવા સફેદ નાણાંને કાળા કરવા માટે નિષ્ણાતો છે. એક સામાન્ય પગારદાર વ્યક્તિ તરીકે હું મારી બેંકમાં થી ૫૦,૦૦૦ રૂપિયા રોકડા તરીકે ઉપાડું છું તો બેંક થી માંડી ને કર વિભાગ ની નજર મારી તરફ હોય છે. અમીર લોકો પાસે તો હવાલા, સોનું, જમીન જાયદાદ અને સ્વીસ બેંકનો રસ્તો છે. પગારદાર વ્યક્તિ તો ફક્ત બેંકમાંથી જ ઉપાડી શકે છે. કારણ કે એનો પગાર ૧૦૦% બેંકમાં જ જમા થાય છે.

હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કરો ઉપરાંત દરેક જાતના ટેક્ષ પણ ભરું છું - જેમ કે "સર્વિસ-ટેક્ષ," "વેલ્યુ-એડેડ-ટેક્ષ" અને "સેન્ટ્રલ એક્ષેસ કર" પણ હું ચૂકવું છું. "ડાઈરેક્ટ ટેક્ષ" અથવા "ઇન ડાઈરેક્ટ ટેક્ષ" તરીકે મારે કર અદા કરવો જ પડે છે. દાખલા તરીકે દવાઓ લેતી વખતે દવાવાળા મારા બીલમાં બધી જાતના કર ઉપરાંત સ્થાનિક કર પણ ઉમેરે છે. જો હું આ કર અદા ના કરું તો મને દવા પણના મળે. અને બને ત્યાં સુધી હું બીલ વગર હું કોઈ ખરીદી કરવાનું ઓછુ પસંદ કરું છું.

હું એક પગારદાર નાગરિક. મારી જાતને હું એક પેઢી તરીકે પણ નહિ બદલી શકું જેમ ઘણા લોકો કરે જાય છે. જો હું મારી જાત ને "પગારદાર નાગરિક વ્યસાયિક લીમીટેડ" તરીકે રજુ કરું તો મારું માનવું છે કે બીજા જ દિવસ થી હું આ બધી જંજાળથી બારે હોઈશ. ફક્ત એટલું જ કરવાનું કે દર વર્ષના અંતે મારે થોડું નુકસાન બતાવાનું અને તેનું માર્ગદર્શન માટે ઘણા નિષ્ણાતો છે. અંતે મને આમ કરવાથી કર અદા કરવું અને પછી આયકર વિભાગના સવાલ જવાબ અને અંતે તેમની માંગો કરતા તો સસ્તું જ પડશે.

હું એક પગારદાર નાગરિક. મારી કોઈ પ્રકાર ના સમાજ ના વર્ગમાં નથી, કોઈ જાતી નથી (સામાન્ય શ્રેણીમાં છું), કોઈ પણ પ્રકારના "વોટ બેંક"માં શામેલ નથી અને કદી કોમી રમખાણમાં ભાગ નથી લીધું. આથી હું કોઈ પણ નેતા દ્વારા તેમની "વોટ બેંક"માં શામેલ નથી અને તેથી મને ખબર છે કે આ કર અને કાયદો કદી બદલવાનું નથી. અને મને મારી જવાબદારીઓ યાદ આપવા માટે પણ લોકો છે.

હું એક પગારદાર નાગરિક..........

Friday, February 4, 2011

નવી પેઢી - મંથન

"નવી ઉછરતી પેઢી સામે મોટામાં મોટું જોખમ છે..આગલી પેઢીના વર્તનના ઉદાહરણો"
જ્યારથી મેં આ વાંચ્યું છે, સમઝ વાની કોશિશ કરી રહ્યો છું. ઘણા વિચારો આવે છે. 


Wednesday, February 2, 2011

અમે છીએને

ચાલો થોડું માણસ - માણસ રમીએ,
નમીએ, ખમીએ, એક બીજાને ગમીએ.
સુખ - દુઃખ માં એક બીજાને કહીએ,
" તમે ફિકર ના કરો, અમે છીએને. "

Tuesday, February 1, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ 3


ચાલો આજે હું આપ સહુને મારી હૈતીની સામાન્ય દિન ચર્યા વિષે વાત કરું. ખાસ કારણ એ કે મને પાછલા ૬ વર્ષોમાં મોટા શહેર રહીને કામ કરવા ને તકો બહુ ઓછી મળી છે. સામાન્ય રીતે મારું કામ ગામડાઓમાં અને અસામાન્ય પરિસ્થિતિઓમાં હોય છે.

હું પોર્ટ-ઔ-પ્રિન્સ માં રહું છું. હૈતી ને ૩૪% આબાદી અહી વસે છે. દરેક મોટા શહેર ને જેમ વિશાળ ઈમારતો (જેમાંથી થોડી ઘણી તૂટેલી હાલત માં દેખાય છે - અને કદાચ ઘણી ઇમારતો પડી ગઈ હશે ભૂકંપ દરમિયાન), સુપર માર્કેટ, ટ્રાફિકજામ, આડી-આવડી અને વાંકી-ચુકી શેરીઓ, વગેરે વગેરે બધું જ છે. આ સિવાય અહી ની રાત્રી ની ઝીંદગી પણ ખૂબ જ જીવંત છે. ક્લબ, ડાન્સ બાર અને પાર્ટી અહીની રાત્રી જીવંત રાખે છે.
આ શહેર બે દેશો થે ખૂબ જ પ્રભાવિત છે. પ્રથમ તો અમેરિકા અને બીજું ફ્રાંસ. અહીની ભાષા ક્રેઓલ છે જે ફ્રેંચ ભાષાને મળતી આવે છે. પણ દરેક વ્યક્તિ મને અમેરિકા થી ખૂબ જ પ્રભાવિત લાગે છે. દરેકની જીવન શૈલીમાં, બોલવા ને રીતમાં, કપડા પહેરવામાં અને સપનામાં અમેરિકા દેખાય છે.

હવે મારી વાત - મને રહેવા માટે એક સરસ મજાનું મોટું એવું મકાન મળ્યું છે. જેમાં ૩ રૂમો છે. આ ઘર માં અમે ૩ સાથીઓ રહીએ છીએ. મારો એક સાથી રવાન્ડા નો છે અને બીજો સાથી પંજાબી છે. ઘરમાં એક સરસ મજા નું ધાબુ છે જ્યાં અમે સાંજ નો આનંદ લઈએ છીએ. અમે ત્રણે મિત્રો અવાર નવાર ધાબા પર બેસીને મોડી સાંજથી રાત સુધી અલક મલકની વાતો કરીએ છીએ. અમારો પંજાબી સાથી ગઝલો વગાડે છે અને અમારો રવાન્ડા નો સાથે તેની પર આફ્રિકન ન્રિત્ય કરે છે અને મને ખુલા આકાશમાં જોયા કરવા નો ઘણો જ આનંદ આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે જાણે આ બધું જે ગઝલોમાં બોલે છે એ સાચું પણ હોય છે. ચાંદની રાતો, ખુલા આસમાન, તારાઓ, ઠંડી મજાની પવન, આરામ ખુરસીમાં કોઈ જાતની ચિંતા વગર આરામ કરવું, સરસ મજાના ગીતો ગાવા, ખીચડી ખાધા પછીનો આનંદ. કેવી મજાની લાઈફ છે.

દિનચર્યા - સાવ સામાન્ય છે. સવારે ૫.૩૦ વાગે ઊઠવાનું. નહાઈને થોડી હળવી કસરત કરવાની (આ વખતે નક્કી કર્યું છે કે ઘરે જવા પેલા મારા કમરાને કમર બનાવીસ), લીંબૂ અને મધ નવસેકા પાણીમાં પીવાનું. ૭ વાગે ઓફીસ જવાનું. સાંજે ૫ વાગે જીમ જવાનું. ત્યાં ૨ કલાક મસ્તી થી કસરત કરવાની. સાચે કહું તો મને ત્યાં જે ફ્રેંચ મુઝીક વગાડે છે અને એને ધૂન માં બધા કસરત કરે છે એની ખાસ મજા આવે છે. ત્યાર બાદ ઘરે ૮ વાગે પહોચે ને પહેલા ખીચડી અથવા મકાઈની ફાડા ખીચડી (જેની અંદર ડુંગરી લસણ આદુનો વઘાર હોય અને થોડી થોડી દાળ, સાક બધું જ હોય) કૂકર માં મૂકું. ત્યાર બાદ સરસ મજા નું સ્નાન કરું. અને પછી અમે ત્રણે સાથીઓ ભેગા બેસી ને જમીએ. ત્યાર બાદ જેવી પરિસ્થિતિ. ક્યારેક પોત પોતાના રૂમ માં સુવા ચાલ્યા જઈએ અને ક્યારેક ધાબા પર બેસી ને ગપ્પા મારીએ.

સામાન્ય રીતે અહી ખાવા માટે કઈ ખાસ વાંધો આવે એમ નથી. શાકાહારી તરીકે જીવવું હોય તો જીવી શકાય એમ છે. હા, થોડે બાંધછોડ કરવી પડે. આંખ આડા કાન કરવા પડે. થોડા દિવસ પહેલા બપોરની વાત કહું તો અમારી ઓફીસ ને બાર એક જગ્યા પર જમવા નું મળે છે. આ બેન મારા લંચ પેકેટમાં પેલા ભાત નાખ્યા, ત્યાર બાદ રાજમાં ને કઢી નાખવા માટે ચમચુ પેલા મટન કે ચીકન વાર તપેલામાંથી કાઢીને ઉપયોગ કર્યું. મેં ઈ પેકેટ મારા એક સાથીદારને આપે દીધું. પછી પ્રેમ થી બિસ્કીટ નું પડીકું લાયો અને જલસા કર્યા. જો રસોઈ બનાવતા આવડે તો હૈતી માં શાકાહારી તરીકે રહેવું ઘણું મુશ્કિલ તો નથી. મારા લગભગ બધા સાથીઓ મારે ત્યાં જમવા આવા માટે તૈયાર હોય છે. બધાને આપનું ઇન્ડિયન ફૂડ બહુ જ પસંદ પડે છે.

વધુ આવતા અંકે.....