Sunday, January 30, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૧

આજે મને હૈતી માં ૧૫૪ દિવસ થઇ ગયા. હજુ ૫૪ દિવસ બાકી છે. આ વખતે સતત ૧૮૮ દિવસ ઘરથી દૂર રહેવાનું થયું. આજે ઘર ની બહુ યાદ આવે છે એટલે વિચાર આવ્યો કે ચાલો આજે હૈતી વિશે કશું લખી કાઢું.

૧૨ મી જાનુઆરી ૨૦૧૦ ના દિવસે હૈતી માં ભૂકંપ આવેલ. થોડા દિવસો પહેલા અમારી ઓફીસ માં પ્રથમ વર્ષગાંઠ "મૌન શ્રધાંજલિ" આપીને ઉજવી. બધા ના ચહેરા પર ભિન્ન ભિન્ન ભાવો હતા. લગભગ બધા ના મન માં એક જ વિચાર હતો. પાછલા એક વર્ષમાં કરેલ તમામ પ્રયત્નો અને આવતા સમયની જરૂરિયાતો. હા, પોતાના કોઈકને ગુમાવ્યાનું દુખ અને આંખોમાં આંસુ દરેક હૈતીવાસીના ચહેરા પર હતું. મેં ત્યારે હૈતીની પ્રથમ અને ગુજરાત ભૂકંપની ૧૦મી વર્ષગાંઠ ઉજવી. એ ભૂકંપ થી આ ભૂકંપ સુધીના સફર વિષે મનમાં થોડા દિવસો સુધી વિચાર્યું. એ સફર વિષે પછી ક્યારેક વાત કરીશું. આજે વાત કરીએ હૈતીની. આજે - ભૂકંપના એક વર્ષ પછીનું હૈતી.

૨૨૦,૦૦૦ લોકો એ જાન ગુમાવી
૩૦૦,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત
૧૯૦,૦૦૦ ઘરોને સખત નુકસાન
૧,૫૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૬ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૧,૦૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૧૧ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૩૯૭૮ નિશાળોને સખત નુકસાન

આ એક વર્ષ માં આટલું ઓછુ હોય તેમ કોલેરા ને મહામારી ફાટી નીકળી. ઓક્ટોબર મહિના માં કોલેરા નો પ્રથમ કેસ ધ્યાન માં આવ્યા પછી આજ સુધીમાં અંદાજે ૨૦૦,૦૦૦ કેસ, જેમાંથી ૧૧૨૬૫૬ લોકો દવાખાનામાં દાખલ થયેલ અને ૪૦૦૦ લોકો ના મૌત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મુજબ કોલેરા મહામારીને પહોચી વળવા માટેની કુલ જરૂરિયાતના ફક્ત ૨૭% જ ફાળો ઉપલબ્ધ છે. કોલેરા જેવી મહામારી જલ્દીથી નાબૂદ થઇ જાય એવી શક્યતાઓ નહીવત છે. આ સિવાય ૧૫મે નવેમ્બર ના રોજ (હા જી દિવાળી ના દિવસે) "હોરીકન ટોમસ" નામ નું વાવાઝોડું આવેલ. આ દિવસ મેં એક હોટેલમાં પૂરાઈને વિતાવેલ. ઘર થી સતત ૩ વર્ષ દિવાળી સમયે હાજરના રહેવાથી મારું મજામાં નહોતું. તે દિવસે મારા એક સાથીએ મારી માટે મીણબત્તીઓ સળગાવીને મને દિવાળી ઉજવવા માટે પ્રેરિત કર્યું.

આજે પણ ૧૦ લાખ લોકો કેમ્પ માં રહે છે. કેમ્પમાં સંસ્થાઓ દ્વારા પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ કેમ્પ કેટલા સમય સુધે રહેશે એ બધા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે.

વધુ આવતા અંકે .....

No comments:

Post a Comment