Monday, January 31, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૨

પાછલા ૪ - ૫ મહિનામાં મને જાત-જાતની જવાબદારીઓ આપવામાં આવી. શરૂઆતમાં મને કેપેસીટી બિલ્ડર તરીકે પોર્ટ-ઔ-પ્રિન્સ ટીમ સાથે કામ કરવાની જવાબદારી આપી. અહી મારું કામ મારી ટીમ સાથે મળીને અમારી ૬ સાથી સંસ્થાઓની ક્ષમતા વિકાસ કરવાની હતી. લગભગ એક મહિનામાં આ કામ પૂરું કર્યું. કોલેરા મહામારી ફાટી નીકળતા મને તાત્કાલિક "અર્તીબોનીત" નામના વિસ્તારમાં મોકલવામાં આવ્યું. આર્તીબોનીત એક ગ્રામિણ વિસ્તાર હતું. આ વિસ્તારમાં મેં લગભગ ૩૪ દિવસ કામ કર્યું. આ દિવસો દરમિયાન મેં અંદાઝે ૧૨૮ ગ્રામોની મુલાકાત લીધી. મુખ્ય કામ લોકો માં સ્વચ્છ પાણી, સંડાસ નો ઉપયોગ અને હાથ ધોવા વિષે જાગૃતિ લાવાનું અને આમ કરવા માટે બને તેટલી મદદ કરવી. આ ૩૪ દિવસોમાં ૩૨,૦૦૦ ઘરોને કોલેરાથી બચવા માટે જરૂરી વસ્તુઓ જેમ કે ક્લોરીન ટીકડી, સાબૂ, બાલદી, વગેરે આપી. આ સિવાય તે વિસ્તાર ના રેડીઓ પર સતત કોલેરા વિષે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો અને જાહેરાતો કરી. અઠવાડીક બજાર માં પણ માઈક પર જાહેરાતો કરી. સતત જાહેર સભાઓનું આયોજન કર્યું.

મને યાદ છે મારી પહેલી જાહેર સભા. જેવી મેં સભા ચાલુ કરી, ત્યાં અંદાઝે ૪૦૦ થે ૫૦૦ લોકો હતા, એક વ્યક્તિ એ સભા માં આયો અને મોટે થી રડવા લાગ્યો. કારણ પૂછતા એણે જણાવ્યું કે એના ભાઈનું દવાખાનામાં હમણાં જ અવસાન પામ્યો અને એનું કારણ કોલેરા હતું. જરા એ ભાઈને સાંત્વના આપીને એને દવાખાને રવાના કર્યો. આ ઘટના ની મારી સભા પર સરે અસર પડી. મેં નક્કી કર્યું કે આ ઘટના વિષે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાથી લોકોમાં જાગૃતિ જરૂર આવશે અને બીજા લોકોને મારતા બચાવી શકાય. પરિણામ સારું આવ્યું. આ મોટા ટોળાને મારે વાત માં રસ પડ્યો. બધા એ મારે વાત શાંતિથી સાંભળી.

ચર્ચા સમયે હું લોકોની કોલેરા વિષે ગેરસમઝ તથા અફવાઓનું પ્રમાણ જોઈ ને થોડો ચિંતિત થયો. મેં જયારે પૂછ્યું કે કોલેરા થવાના કારણો શું છે અને જવાબો આવા હતા.
  • ભાત ખાવા થી કોલેરા થાય. 
  • નદી નું પાણી પીવા થી થાય છે 
  • શહેર ના લોકો અમને પસંદ નથી કરતા એટલે એમને આવું કર્યું છે. 
  • બાજુના દેશથી લોકોએ હેલીકોપ્ટર દ્વારા અમારી નદીમાં કશું નાખવામાં આવ્યું છે.
  • નેપાળી લોકોએ આ બીમારી ફેલાવી છે. 
  • શાક ભાજી ખાવા થી થાય છે. 
  • વગેરે વગેરે. 
કોઈ એ પણ એમના કીધું કે આ બીમારી પ્રદુષિત પાણીથી થાય છે. આ ચર્ચા લગભગ ૨ કલાક ચાલી અને બધા શાંતિ થી અને રસ પૂર્વક ભાગ લીધો. ત્યાર બાદ બધાને સાબુ અને ક્લોરીન ટીકડી આપી. આવું અમે બધા ગામડાઓમાં કર્યું. છેલ્લે છેલ્લે મને જોઈ ને બધા મારી પાસે આવીને સાબૂ અને ક્લોરીન ટીકડી માંગવા લાગ્યા. બહુ જ મજા આવી આ કામ કરવાની. સવાર ના ૬ વાગ્યે નીકળીએ અને સાંજે ૭ વાગે પાછા ઓફીસમાં. ઓફીસ આવીને બીજા દિવસની તૈયારી.

આ ૩૪ દિવસ પછી મને પોર્ટ-ઔ-પ્રિન્સ પાછુ બોલવામાં આવું. અહી મને જાહેર આરોગ્ય ના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી. આ ફરજ મારે ફેબ્રુઅરી ૨૦ સુધી બજાવાની છે. ત્યાર બાદ મારે ૨૦મી માર્ચ સુધી કોલેરા કો-ઓર્ડીનેટર તરીકે કામ કરવાનું રહેશે.

વધુ આવતા અંકે.....

Sunday, January 30, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૧

આજે મને હૈતી માં ૧૫૪ દિવસ થઇ ગયા. હજુ ૫૪ દિવસ બાકી છે. આ વખતે સતત ૧૮૮ દિવસ ઘરથી દૂર રહેવાનું થયું. આજે ઘર ની બહુ યાદ આવે છે એટલે વિચાર આવ્યો કે ચાલો આજે હૈતી વિશે કશું લખી કાઢું.

૧૨ મી જાનુઆરી ૨૦૧૦ ના દિવસે હૈતી માં ભૂકંપ આવેલ. થોડા દિવસો પહેલા અમારી ઓફીસ માં પ્રથમ વર્ષગાંઠ "મૌન શ્રધાંજલિ" આપીને ઉજવી. બધા ના ચહેરા પર ભિન્ન ભિન્ન ભાવો હતા. લગભગ બધા ના મન માં એક જ વિચાર હતો. પાછલા એક વર્ષમાં કરેલ તમામ પ્રયત્નો અને આવતા સમયની જરૂરિયાતો. હા, પોતાના કોઈકને ગુમાવ્યાનું દુખ અને આંખોમાં આંસુ દરેક હૈતીવાસીના ચહેરા પર હતું. મેં ત્યારે હૈતીની પ્રથમ અને ગુજરાત ભૂકંપની ૧૦મી વર્ષગાંઠ ઉજવી. એ ભૂકંપ થી આ ભૂકંપ સુધીના સફર વિષે મનમાં થોડા દિવસો સુધી વિચાર્યું. એ સફર વિષે પછી ક્યારેક વાત કરીશું. આજે વાત કરીએ હૈતીની. આજે - ભૂકંપના એક વર્ષ પછીનું હૈતી.

૨૨૦,૦૦૦ લોકો એ જાન ગુમાવી
૩૦૦,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત
૧૯૦,૦૦૦ ઘરોને સખત નુકસાન
૧,૫૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૬ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૧,૦૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૧૧ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૩૯૭૮ નિશાળોને સખત નુકસાન

આ એક વર્ષ માં આટલું ઓછુ હોય તેમ કોલેરા ને મહામારી ફાટી નીકળી. ઓક્ટોબર મહિના માં કોલેરા નો પ્રથમ કેસ ધ્યાન માં આવ્યા પછી આજ સુધીમાં અંદાજે ૨૦૦,૦૦૦ કેસ, જેમાંથી ૧૧૨૬૫૬ લોકો દવાખાનામાં દાખલ થયેલ અને ૪૦૦૦ લોકો ના મૌત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મુજબ કોલેરા મહામારીને પહોચી વળવા માટેની કુલ જરૂરિયાતના ફક્ત ૨૭% જ ફાળો ઉપલબ્ધ છે. કોલેરા જેવી મહામારી જલ્દીથી નાબૂદ થઇ જાય એવી શક્યતાઓ નહીવત છે. આ સિવાય ૧૫મે નવેમ્બર ના રોજ (હા જી દિવાળી ના દિવસે) "હોરીકન ટોમસ" નામ નું વાવાઝોડું આવેલ. આ દિવસ મેં એક હોટેલમાં પૂરાઈને વિતાવેલ. ઘર થી સતત ૩ વર્ષ દિવાળી સમયે હાજરના રહેવાથી મારું મજામાં નહોતું. તે દિવસે મારા એક સાથીએ મારી માટે મીણબત્તીઓ સળગાવીને મને દિવાળી ઉજવવા માટે પ્રેરિત કર્યું.

આજે પણ ૧૦ લાખ લોકો કેમ્પ માં રહે છે. કેમ્પમાં સંસ્થાઓ દ્વારા પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ કેમ્પ કેટલા સમય સુધે રહેશે એ બધા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે.

વધુ આવતા અંકે .....

Saturday, January 29, 2011

દિલ પુછે છે મારું

દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? 
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે; 
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે, 
લગ્નની મળે કંકોત્રી ત્યાં સિમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્ની નો ફોન બે મીનીટમાં કાપીએ પણ ક્લાયંટના કોલ ક્યાં કપાય છે? 
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડેમાં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જાય છે.
કોઇકને સામે રુપિયા તો કોઇકને ડોલર દેખાય છે
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે કે સંસ્ક્રુતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઇએ, મને સમય હજુય બાકી દેખાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? 
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે

-----દીપક તન્ના ------

દીકરી,એક અહેસાસ.

પા-પા.પગલી…..

દીકરી એ દીકરી
એની તોલે કોઇ ના આવે
જેના સ્મરણ માત્ર થી ……
હ્રદય ની ભીનાશ આંખ દ્વારા વહેવા લાગે

ઊર્મિસભર નાનકડું ગીત! આનંદ….

અરે ! વિધાતાએ તો દીકરી ઘડીને દરિયો ઠાલવ્યો છે !

કહે છે કે મારે સ્કૂલ માં સોનિયા ગાંધી બની ને જવું છે

જય રાધે

દીકરી એટલે દીકરી

નિર્જીવ કાંકરા ને,

દીકરી ના નાનકડા હાથ નો,

સ્પર્શ થતાં જ …

બની જાય …

જીવંત પાંચીકા.

- નીલમ દોશી.

ભગવાન

માંગવાનું કહે છે તો માંગું છું હે પ્રભુ,
દઈ દે એવું મન કે માંગે નહિ કશું

સંબંધો અને નસીબ

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે?

નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ?

સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે.

બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!

Saturday, January 22, 2011

બોસ, આ અમદાવાદ છે !

અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!

અહી મજ્જાની લાઈફ છે.
ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.

અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે
કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.

અહીં ટ્રાફિક હેવી છે
દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.

અહીં કચરાની વાસ છે
કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.

અહીં ચામાં કટીંગ છે
પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.

કવિ - અધીર અમદાવાદી

Thursday, January 20, 2011

આપણને નહિ ફાવે

તમે મન મૂકી ને વરસો, ઝાપટું આપણને નહિ ફાવે,
અમે તો હેલી ના માણસ, માવઠું આપણને નહિ ફાવે.
કહો તો માછલી ની આંખ માં ડૂબકી દઈ આવું,
પણ છીછરું ખાબોચિયું આપણને નહિ ફાવે.
તું નહિ આવે તો, એ નહિ આવવું પણ ફાવશે
ઘરે આવીને, તારું પાછું જવું, આપણને નહિ ફાવે.
વફાદારી ની આ ધગધગતી તાપ્ણીઓ બુઝાવી દો,
સળગતું દિલ ને દઝાડતું કાળજું આપણને નહિ ફાવે,
તને ચાહું, ને તને ચાહનારા પણ ચાહું,
તું દિલ આપીદે પાછું, આ બધું આપણને નહિ ફાવે.
તમાચા ખાઈ લવ ગાંધીગીરી ના નામ પર
પણ આ પત્ની ને 'બા" સંબોધવું આપણને નહિ ફાવે.
"ખલીલ" અણગમતા ને ગમતો કરી લેવું નથી ગમતું
ભલે તમને બધા ને ગમે , આપણને નહિ ફાવે

- ખલીલ ધનતેજવી


Tuesday, January 18, 2011

ડર છે

વસી જવું છે આપની,
સાગર જેવી આંખોમાં પણ,
ડૂબી જવાનો ડર છે.


પામવું છે સ્થાન આપના,
ખુબસૂરત દિલમાં પણ,
બેવફાઇનો ડર છે.


- Unknown poet -

Sunday, January 2, 2011

છપ્પા (અખા ભગત)

૧.
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહતો હરીને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


૨.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?


૩.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી કયમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે?


૪.
જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાત અમે જાણી.


૫.
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.


૬.
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.


૭.
જ્યાં‌ જોઈએ ત્યાં કૂડેકૂડ, સામસામી બેઠા ઘૂડ,
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ઘરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.


૮.
લીલા વૃક્ષને ઓઠે રહે, જ્યમ પારધી પશુને ગ્રહે;
એમ હરિને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનકકામિની તણા.
અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર.

Saturday, January 1, 2011

મારુ અને તારુ

ઇશ્વર મનુષ્યને ઉદ્દેશીને
જો તુ એમ કહે કે આ મારૂ,
તો હું તને મારુ
અને
જો તુ એમ કહે કે લે, આ તારુ,
તો હું તને તારુ


–સુભાષ ઠાકર (દુરદર્શનમાં પ્રસારિત થતા કાર્યક્રમ ગમ્મત ગુલાલ માંથી )