Friday, July 27, 2012

હું શું હોઈશ?


મેં મારી વ્યાવસાઈક ઝીંદગીની શરૂઆત લગભગ ૧૦ વર્ષ પહેલા કરી. તે સમયે હું મારા પરિવાર, પ્રેમીઓ અને મિત્રોથી ઘણો નજીક હતો. હું એક સારો છોકરો હતો ઝીંદગી પ્રત્યેનું વલણ / દ્રષ્ટિકોણ ખુબજ અલગ હતું. મારી પાસે બધા માટે ખુબજ સમય હતો અને હું ખુશ હતો. નૌકરીમાં હું નવો નવો હતો અને હું એટલો ખુશ ના હતો કારણકે મારા ઉપરી લોકો મને જલસા કરવાનો સમય જ નહોતા આપતા.

 આજે લગભગ ૧૦ વર્ષો પછી હું બહુ સારી નહિ તો સારી એવી પ્રગતિ કરી છે. આજે મારી આંતર રાષ્ટ્રીય સંસ્થામાં હું નિયામકો, વ્યસ્થાપકો અને એવા મોટા લોકો સાથે સીધે વાત કરી શકું છું અને તેઓ મને ઘણી મિટિંગમાં બોલાવે પણ છે. પણ આજે મારો હર્દય ૧૦ વર્ષ પહેલા જેવો નથી. હું ભાગ્યેજ મારા પરિવારની વાતોમાં શામેલ થાઉં છું. મારી પત્નીને પણ એ જ ફરિયાદ છે - કે મારી પાસે તેની માટે પણ ટાઇમ નથી. હું મારા જુના મિત્રો સાથે વાત નથી કરતો.

આજે મારો ઝીંદગી પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું છે. મારામાં ઘણું "Attitude " આવી ગયું છે. હું ૧૦ વર્ષ પહેલા કરતા આજે તદ્દન અલગ રીતે વાત કરું છું - પણ હું મારી નૌકરીથી ખુબજ ખુશ છું અને તેને માણું છું. પણ શું હું મારી ઝીંદગી માણું છું?

તમે કહેશો કે આમાં નવું શું છે?
મારો જવાબ - કશું પણ નહિ.

હું આ બધું લખું છું કારણ કે મને ખબર છે કે મારામાં ઘણા બધા બદલાવો આવ્યા છે પાછલા ૧૦ વર્ષોમાં. ઘણા ખરા બદલાવો આ સમય દરમ્યાન આવેલા સંકટોના કારણે છે અને આ ફક્ત પાછલા ૧૦ વર્ષોમાં જ. આવતા ૧૦ વર્ષોમાં શું થશે?

મને આ બદલાવો ના સારા અને ખરાબ પરિણામો પણ ધ્યાનમાં છે. હા, હું મારી જાતને ૧૦ વર્ષો પહેલા જેવો નથી રાખી શકયો - અને આવતા વર્ષો માં અનુભવો અને સંકટો મુજબ હું બદલાતો રહીશ - વ્યવસાયિક રીતે પ્રગતિ કરતો રહીશ. મને ખબર નથી કે હું શું હોઈશ?

હું એટલું તો જરૂર કહેવા માંગીશ કે આ વાર્તા ઘણાબધા લોકોની છે આજના જમાનામાં. જે લોકો નોકરીમાં હમેશા પ્રગતિ કરતા રહેતા હોય છે પણ પોતાના પરિવાર, ઝીંદગી અને ખુશીઓ થી દૂર થતા જાય છે.

Tuesday, July 24, 2012

આ બૈરાઓ.......

થોડા સમય પહેલા મારે અમદાવાદથી મુંબઈ ટ્રૈનમાં જવાનું થયું. ટ્રૈન છ કલાક મોડી હતી. રાતના ૧૧ વાગે અમદાવાદથી ટ્રૈન ઉપડી અને સવારે ૬ વાગે હું મુંબઈ પહોચ્યો. ઈચ્છા હતી કે રાતના સારી ઊંઘ કરીશ. મારી નીચેની સિટ હતી પણ એક સ્ત્રીની વિનતી માનીને ઉપરની સીટ સ્વીકારી લીધી.

ટીના, મીના અને ફઈબા.
ટીનાએ મને સીટ બદલવાની વિનતી કરી હતી. ટીના અને મીના બંને કાકી બહેનો હતી. ટીના અને મીનાના પિતાની બહેન એટલે ફઈબા. તેઓ અમદાવાદથી મુંબઈ કોઈ સંબંધીના લગ્નમાં જઈ રહ્યા હતા. તેઓ ખૂબજ ખુશ હતા અને આ સફર માણી રહ્યા હતા. હું ઉપરની સીટમાં ઊંઘવાની કોશિસ કરી રહ્યો હતો અને તેઓની વાતો એકાદ બે કલાક જેટલે સાંભળી. મને એમ છે કે તેઓ આખી રાત વાતો કરી રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા.

ટીનાના પિતાજીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઇ ગયું હતું. ટીના તેના કાકાના ઘરે મોટી થઇ. તેના કાકાએ તેને ભણાવી અને લગ્ન કર્યાં. ટીનાનો પતિ ધંધામાં સારું કમાતો હતો અને વધુ સમય તેના મોટાભાઈના છોકરાને આપતો હતો. તેને પોતાના ભત્રીજાની બધી માંગો પૂરી કરતો હતો. પટેલસાહેબ પોતાની પત્ની ટીનાથી અતિ પ્રેમ નહોતા કરતા. તેમની વચ્ચે અવાર નવાર ઝગડા થતા. ટીના પોતાના લગ્નથી નાખુશ હતી પરંતુ તેની પાસે બીજો કોઈ ઉપાય નહતો. છુટાછેડા લેવા માટે એકજ બીક હતી - સમાજ શું કહેશે - ત્રણ બાળકોની માંએ છુટાછેડા લીધા? પટેલસાહેબે થોડા સમય પહેલાજ એક નવી ગાડી લીધી પણ તેમનો ભત્રીજો તેનો વધુ ઉપયોગ કરતો હતો. ટીનાને ત્રણ છોકરા અને એક ભત્રીજો હતો. પટેલસાહેબ અને તેમની પત્ની ટીના વિષે બીજી ઘણી બધી માહિતીઓ છે.

મીનાના પિતાજીએ ટીનાના લગ્ન કર્યાં હતા. તેમને પોતાની પુત્રી મીના માટે જરૂરથી સારું ઘર જોયું હશે પણ હાલમાં ટીનનો વર સારું કમાય છે. મીનાના બે છોકરા છે અને તેઓ પણ આ સફરમાં સાથે જ છે. મીના બહુજ ઓછુ બોલતી હતી પણ હા તેનું સ્મિત ખુબજ સારું હતું. તેના પતિએ તેની ઉપર ઘણી વખત હાથ ઉપાડ્યો હતો પરંતુ મીના એટલે ભારતીય નારી - ક્યાં પણ ફરિયાદ નહોતી કરતી. અંતે તે પોતાના પરિવાર અને પતિ સાથે ખુશ હતી.

ફઈબાની વાર્તા આનાથી પણ નાની છે. તેમના પતિ એક ડ્રાઇવર છે. તેમના લગ્ન ૧૯૮૦ની સાલમાં થયા હતા અને તેઓ તેમના લગ્ન જીવનથી ખુબજ ખુશ હતા. ફઈબા મુંબઈ પહેલીવાર જઈ રહ્યા હતા.તેઓ આ ટ્રૈનની મુસાફરીથી થોડા નાખુશ હતા અને બીજી વખત ટ્રૈનની મુસાફરી નહિ કરે. હા, એક વાત કહેવાની તો રહી ગઈ. આ ટ્રૈન ૬ કલાક મોડી હતી અને આ ૬ કલાક દરમ્યાન તેઓ બીજી ટ્રૈનમાં ચડી ગયા હતા અને પછી તેમને ચાલતી ટ્રૈનમાંથી ઉતરવું પડ્યું.

તમે ટીના, મીના અને તેમની ફઈબા વિષે વાંચ્યું - હવે આ વાંચો - 
મેં તેઓ સાથે કદી વાત નથી કરી મારી સીટ બદલ્યા પછી. મેં તેમને એક પણ સવાલ નહોતો કર્યો. મેં તેમના પરિવાર અને પતિ વિષે જરા પણ નથી પૂછ્યું. મેં ઊંઘવાનો પ્રયાસ કર્યો હતો. આ તો બસ તેઓએ એટલી બધી વાતો કરી અને આ બધી વાતો મને ખબર પડી. જયારે મુંબઈમાં ઉતાર્યો ત્યારે મનમાં એકજ વિચાર હતો - આ બૈરાઓ બહુજ બોલે છે.

આ બધું વાંચ્યા પછી માથું દુખે છે? 
મારું પણ દુખતું હતું આ મુસાફરી પછી.

Friday, July 13, 2012

પ્રવાસ - પૂર્વ આફ્રિકા - કોન્ગો

હાલમાં હું કેન્યામાં છું અને મારું કામ પૂર્વ આફ્રિકાના દેશોમાં ચાલી રહેલા રાહતકાર્યોને મદદરૂપ થવાનું છે. અહી મને કોન્ગો, કેન્યા, દક્ષીણ સુદાન, સોમાલિયા, ઈથિઓપિઆ, વગેરે દેશો વિષે જાણવાનો મોકો મળ્યો. ચાલો આજે થોડું કોન્ગો વિષે વાત કરીએ.

કોન્ગો : કોન્ગો આફ્રિકાનો સૌથી મોટો દેશ છે અને આ દેશ પર કુદરત ખુબજ મેહરબાન છે. અહી મિનરલ્સ અને ખનીજ નો પુષ્કળ ભંડાર છે. અહી સોનું પણ પુષ્કળ પ્રમાણ માં છે. આ દેશની ધરતી પણ ખુબજ ઉપજાઉ છે. આ દેશની વસ્તી લગભગ ૭.૭ કરોડની છે અને તેમાંથી અંદાજે ૨૦ લાખ લોકો વિસ્થાપિત છે. વિસ્થાપિત એટલે જયારે લોકોને અમુક બાહ્ય કારણોસર પોતાનો ઘર છોડવું પડે. આ સિવાય અંદાજે ૫ લાખ જેટલા લોકો દેશ છોડીને વિદેશમાં રેફયુજી કેમ્પમાં રહે છે. અહી આ લોકોની મુખ્ય સમસ્યા આંતરિક લડાઈ, ગરીબી, અત્યાચાર, મૂળભૂત જરૂરીયાતોની અસુવિધા, વગેરે કારણો છે. કોન્ગોમાં ઘણી બધી બળવાખોર સંગઠનો (રેબેલ ગ્રુપ) છે. આ સંગઠનો અને સરકારી આર્મી વચ્ચે આવર નવાર યુદ્ધ થયા કરે છે. જેનો સીધો અસર ત્યાં આજુ બાજુ વસતા લોકો પર થાય છે. લોકો પોતાના ઘર અને જમીન છોડીને સુરક્ષિત સ્થાનો પર જવા લાગે છે. વેપાર ધંધો ઠપ થઇ જાય છે.

બાળકો, સ્ત્રીઓ, વ્રદ્ધો અને બીમાર લોકો આ સમસ્યાનો મુખ્ય ભોગ બને છે. જવાન બાળકો અને યુવાનો આવા સંગઠનોમાં જોડવા માટે મજબૂર થાય છે અથવા તેમને મજબૂર કરવામાં આવે છે. એવું પણ જોવા મળે છે કે યુવાનો હથિયાર મેળવવાની ઘેલછામાં, પોતાને તાકાતવર બતાવવા માટે અને બેકારી ની અવસ્થામાં આવા સંગઠનોમાં જોડાઈ જાય છે. આવું પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને આનાથી લાચાર લોકો પર સમાજમાં અત્યાચાર વધતો રહ્યો છે. એક સર્વે મુજબ કોન્ગો માં દર રોજ ૧૧૦૦ થી વધુ મહિલાઓ (૧૪ થી ૪૯ વર્ષ ની ઉમર) ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે. એટલે કે અંદાજે ૪ લાખથી વધુ એક વર્ષમાં. આ સુર્વે ૨૦૦૭માં થયો હતો. એવું કહેવાય છે કે ૨૦૦૮ માં આ આંકડા બમણા થયા હતા અને ત્યાર પછી વધતા જ રહે છે. ૨૦૦૮ - ૦૯ ની સાલમાં જયારે હું યુગાન્ડા અને કોન્ગોની સીમા પર કામ કરતો હતો ત્યારે કોન્ગોના ઉત્તર ગોમાથી લોકો યુગાન્ડામાં આવતા હતા. આ સમયે ૧૭ જેટલા યુવાનો પોતાના પરિવાર ને મુકવા આવ્યા - કદાચ તે યુવાનો પણ એવાજ કોઈ સંગઠનમાં કામ કરતા હતા. ૧૭ યુવાનનો ના પરિવાર માં ૭૪ પત્નીઓ અને ૨૫૮ બાળકો હતા. આ મારા માટે આશ્ચર્ય જનક વાત હતી.

જયારે લોકો બેઘર થઇને સુરક્ષિત સ્થાને થોડા સમય માટે સ્થળાંતર કરે છે ત્યારે તેમની મુખ્ય જરૂરિયાત પાણી, ઘર, દવા / આરોગ્ય સુવિધા, અન્ન વગેરે હોય છે.

હાલમાં ઉત્તર કોન્ગોની (ગોમા અને કીવું વિસ્તાર) પરિસ્થિતિ ખુબજ તંગ છે અને ત્યાં હું આશા કરું કે આવતા થોડા સમયમાં મને ત્યાં કામ કરવાનો મોકો મળે.

Friday, June 15, 2012

જળકમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો … જળકમળ

 - નરસિંહ મહેતા

Thursday, May 17, 2012

કાનજી તારી મા કહેશે

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી.

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી.

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે... કાનજી.

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી.

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...કાનજી.

 - નરસિંહ મહેતા

Saturday, March 17, 2012

આ દીકરીઓ મોટી કેમ થઇ જતી હશે...?

વ્હાલના વિશાલ દરિયામાંથી
સમજણની સરિતા કેમ થઇ જતી હશે..?
આ દીકરીઓ મોટી...

મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું
તો ક્યારેય તમને નહિ છોડું શીદને કહેતી હશે...?
આ દીકરીઓ મોટી...

હમણાં તો ચોકલેટ માટે એને લડતી
ને આજ દવા મને કેમ ખવડાવતી હશે...?
આ દીકરીઓ મોટી...

આમ તો જુવો તો મારી જ છે એ સુગંધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાવતી હશે..?
આ દીકરીઓ મોટી...

યોગેશસિહ ઠાકોર....

Sunday, February 5, 2012

ઝીંદગી ઝીંદગી

ફેલાવું જો હાથ મારા તો તારી ખુદાઈ દુર નથી
પણ હું માંગું ને તું આપે તે વાત મને મંજુર નથી



છીદ્ર વાળૂં વહાણ છે.
તો છે.

પાણીને તેની જાણ છે.
તો છે.

હવે શું કરવાનું રહ્યુ પણ
શ્વાસની ખેંચતાણ છે
તો છે.

મસ્તી વિના ઝીંદગી હસતી નથી
જે રડે છે તેની દુનિયા વસ્તી નથી

Monday, October 24, 2011

બાળકોમાં કેળવવા જેવી આદતો - વેસ્ટમાંથી બેસ્ટ

આપણે આપણા બાળકોને એક સારી ઝીંદગી આપવા માંગીએ છીએ. રમકડા, ચોપડીઓ, દફતર, પારંપરિક પોશાકો, સાઇકલ, અવનવા સાધનો અને ઉપકરણો - આવી કોઈ પણ વસ્તુઓથી તેઓ વંચિત ના રહે તેનું ધ્યાન રાખીએ છીએ. આપણે તેવી કોઈ વસ્તુઓ આપવામાં જરાપણ અચકાતા નથી કે જેનાથી તેમની કલ્પનાઓને આકાર મળે - રંગીન પેનો અને પેન્સિલો, કાગળ, કલર, ચમક વાળા પદાર્થો, ગુંદર વગેરે વગેરે.

આપનો હેતુ સારો હોય છે, પણ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે કદાચ આપણે આપણા બાળકોને આ રીતે સારા પ્રમાણમાં કચરો નીપજાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. કાગળનો એક વખત ઉપયોગ કાર્ય પછી તે કચરાપેટીમાં જાય છે, પ્લાસ્ટિકના રમકડાઓ થોડે વાર (અથવા થોડા દિવસ) રમ્યા પછી કચરાપેટીમાં જાય છે, કલર પેન્સિલ અને બીજા બધા કલરની વસ્તુઓ થોડા બપોરની પ્રક્રિયાઓ પછી કચરાપેટીમાં જાય છે. શા માટે આપણે તેમને વારંવાર યાદ નથી આપવતા કે અસ્ત વ્યસ્ત ઢગલો પોતાની વાંચવાની જગ્યા પરથી સાફ કરે, રૂમને સાફ રાખે. આ એક સારી આદત છે જે શરૂઆતથીજ તેમનામાં કેળવવાની જરૂર છે. પણ પહેલા આટલું બધું આસ્ત વ્યસ્ત ઢગલો કરવો અને પછી કચરાપેટીમાં ઠાલવી દેવાનું નામ સફાઈ? આપણે સફાઈ કરી રહ્યા છીએ કે પછી વાતાવરણ / પર્યાવરણમાં ગંદવાડ ઠાલવી રહ્યા છીએ?

આ સાચો સમય છે કે આપણે આપણા બાળકોને વસ્તુઓનો ફરી વખત ઉપયોગ કરવો, સાચી રીતે નિકાલ કરવો, ઓછી ખરીદી કરવી કે જેથી ઓછો કચરો થાય. કોઈ પણ વસ્તુ નો ફરીથી ઉપયોગ કરવો એક સારે રમત પણ થઇ શકે છે અને અંતે કશું સારું કર્યાનો અનુભવ પણ.

ઉદાહરણ તરીકે - લખવાની પાટી અને ચોક : અમે નાનપણમાં પાટી અને ચોકથી ભણ્યા હતા. આજ વસ્તુ મેં મારી દિકરી સાથે કરે. આમ થવાથી તે કાગળ, જાત જાતના કલર અને પેન્સિલનો બગાડ ઓછો કરતી થઇ. વળી આમ કરવાથી અમને બંનેને ખુબજ મજા પણ આવા માંડી.

આવી જ રીતે, દર વખતે નવા નવા કપડા લાવવા કરતા તેમને ફરીથી સારી પ્રિન્ટ કરવું એ પણ સારી બાબત બની શકે છે.

વિચારીએ તો આવા ઘણા પ્રયોગો થઇ શકે છે જેનાથી આપણે આપણા પર્યાવરણમાં ઓછો કચરો ઠલવાય અને બાળકોમાં સારી આદત અને સમાજ ઉભી થાય.

Saturday, October 22, 2011

આધ્યાત્મિકતા - એટલે શું?

આશા છે કે આપ સહુ અત્યારે દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હશો અને દિવાળીની રજાઓ માણતા હશો. અને અમુક લોકો મારી જેમ થોડા ઘણા બ્લોગ લખવામાં વ્યસ્ત હશે :)

મેં જે કઈ પણ અધ્યાત્મ વિષે વાંચ્યું છે તે બધું ભૂલી ને આજે આ બ્લોગ લખી રહ્યો છું. અહી મેં ભરપુર પ્રયત્ન કર્યો છે કે આ લેખ લખતી વખતે મારા પર કોઈ બાહ્ય પ્રભાવ ના હોય. આ વિચારો મારા અનુભવો અને મારા રોજીંદા અભ્યાસ ઉપરથી છે.

આધ્યાત્મ વિષે આપના સમાજમાં ઘણા ગુરુઓએ લખ્યું છે અને કહ્યું છે. મારો અધ્યાત્મ સાથેનો પરિચય બહુ જુનો નથી. મને થોડા વર્ષો પહેલાજ કોઈકે કહેલું કે "જેને નરક માં જવાની બીક હોય તેના માટે ધર્મ છે અને જે લોકો પહેલાથી ત્યાં છે તેમના માટે અધ્યાત્મ છે." હું કદાચ ૩૦ કે ૩૧ વર્ષ નો હતો ત્યારે. મેં આ વાક્યનો ઘણી વખત ઉપયોગ કર્યો પણ ક્યારેય એને સમઝવાની કોશિશ નહોતી કરી કે આનો હકીકતમાં અર્થ શું થાય. પાછલા થોડા મહિનાઓની અજંપાભરી અને અશાંત સમય પછી હું આ વિષય વિષે વિચારતો થયો. વળી, આજકાલ તો આ કરોડોનો ધંધો છે.

થોડા સવાલ વાંચકો માટે :
- શું યોગા કરવું એ અધ્યાત્મ છે?
- શું ધ્યાન કરવું એ અધ્યાત્મ છે?
- શું પ્રાણાયામ કરવું એ અધ્યાત્મ છે?
- શું કોઈ આધ્યત્મિક ગુરુને અનુસરવું એ અધ્યાત્મ છે?
- શું અધાર્મિક કે નાસ્તિક થવું અધ્યાત્મ છે?
- શું વિપશ્યના અધ્યાત્મ છે?

મારા મુજબ તો આમાંથી કશું પણ અધ્યાત્મ નથી. આજકાલ યોગા, ધ્યાન, પ્રાણાયામ, વિપશ્યના, વગેરે તો એક જાતનો ધંધો બની ગયો છે. આજકાલ તો યોગા જેવા નામોથી તો કપડા અને જાત જાતની વસ્તુઓ વેચાય છે.

મારા માટે, અધ્યાત્મ એ બીજું કશું નહિ પણ પોતાની જાતને ઓળખવી. એટલે કે હું શું છું નું ભાન થવું. પોતાની જાતને ખૂબજ ધ્યાનથી અવલોકન કરવું અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યે થોડી સમઝ ઉભી કરવી. આનાથી આપના દિમાગ અને દિલ વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે. આનાથી આપના શારીરિક અને માનસિક મૂળતત્વો વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે.

અને આથીજ, ભગવાનને ઓળખવા પહેલા પોતાની જાતને ઓળખવું ખુબજ જરૂરી છે.

Thursday, October 20, 2011

મેરા ભારત મહાન



મેં ઘણા લોકોને આપણી સરકાર, દેશ અને ભ્રષ્ટાચાર વિષે ફરિયાદ કરતા સાંભળ્યા છે. TVમાં પણ ફક્ત આ જ વિષય છે. આજે દુનિયાના ઘણા દેશોમાં કામ કર્યું છે. ઘણા દેશોમાં લોકોને સાંભળ્યા છે, જોયું છે અને તેમની સાથે રહીને થોડું ઘણું પણ અનુભવ્યું છે. મારા મતે, આપણી સરકાર થોડું સારું કામ પણ કરી રહી છે.


શિક્ષા અભિયાન અને નિયમો :
થોડા વર્ષો પહેલા ૫મા ધોરણ સુધે અભ્યાસ મફત અને ફરજીયાત હતું જે આજે ૮મા ધોરણ સુધી છે. વળી, બધા વિદ્યાર્થીઓને મધ્યન ભોજન મળે છે, જે ઘણા લોકો મતે ખુબજ મહત્વનું છે. વાલીઓને પ્રોત્સાહન પણ આપાય છે. લોકો સાથે વાત કરતા લગભાગ બધા આ બાબતથી ખુશ હતા.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાદળી કલરના પોશાક પહેરે છે જે આજે દેશમાં લગભાગ દરેક ગામડા અને શહેરોમાં જોવા મળે છે. મને યાદ છે કે મેં જયારે એક ગામડામાં એક શાળાને મુલાકાત લીધી હતી ત્યારે દરેક વિદ્યાર્થી સવારે પ્રાર્થના સભામાં એક લયમાં માં સરસ્વતીની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતપોતાના ક્લાસરૂમમાં શિસ્તતા પૂર્વક જતા રહ્યા. કલાસરૂમમાં નકશા અને ભારતના મહાન પુરુષોના ફોટા હતા. શિક્ષકો કરતા શિક્ષિકાઓની સંખ્યા વધુ હતી. આચાર્યશ્રીના રૂમમાં થોડા ઘણા પુસ્તકો પણ હતા. બધા બાળકોના ચહેરા પર સ્મિત દેખાતું હતું.

કોલેજનું ભણતર પણ આજે સારું અને સસ્તું છે. આજે મોટાભાગની કોલેજોમાં ફી લગભગ ૩૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા વાર્ષિક હોય છે. સારી કોલેજમાં અને સારા અભ્યાસ માંટે અંદાજે ૫૦,૦૦૦ રૂપિયા જેવી ફી હોય છે. તદુપરાંત, સ્ત્રીઓ માંટે ઘણી શાળામાં ફીમાં રાહત આપાય છે.

જમીન માલિકી :આજે કોઈ પણ વ્યક્તિ ૧૮ હેક્તેર જેટલી જમીનની માલિકી ધરાવી શકે છે. કાયદા મુજબ તેથી વધુ જમીન કોઈ પણ વ્યક્તિ લઇ શકે નહિ. હા, કોઈ સહકારી પરિવાર ગમે તેટલી જમીન ધરાવી શકે છે. જોકે આ બાબતમાં ઘણી જગ્યાએ ખામીઓ દેખાય છે પણ આજે આને લગતા નીતિ નિયમો અમલમાં છે અને તેનું પાલન પણ સારી રીતે થાય છે અથવા થવા લાગ્યું છે

હવેલીથી હોટેલ સુધી : જૂની હવેલીઓ જે જર્જરિત અવસ્થામાં હતી તેના પુનઃનિર્માણ અથવા સમારકામ માંટે પણ સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે. હવેલીના માલિકોને તેને હોટેલમાં પરિવર્તિત કરવા માંટે પ્રોત્સાહન અને નાણાકીય સહાય પણ આપે છે. આમ કરવાથી તે જૂની જર્જરિત હવેલીઓ આજે એક સુંદર હવેલી જેવી લાગે છે. અને, આનાથી પ્રવાસીઓ પણ આકર્ષાય છે.

ગામડાઓમાં સરકારી કર્યો : પરિવારના એક વ્યક્તિને વર્ષ દરમિયાન ૧૦૦ દિવસ જેટલું કામ મળી રહે તેવી યોજનાઓ પણ અમલમાં છે. લોકો મુજબ આ યોજનાઓથી ગામડામાં પરિવર્તન આવી રહ્યું છે, લોકોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ મળી રહી છે. હા, ઘણી વખત એવો પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે આ યોજનાનો લાભ કેટલા લોકો સુધે પહોચે છે અને તે કાર્યની ગુણવત્તા કેવી છે.

મને ઘણી વખત ગામડાઓમાં એવા અનુભવો થયા છે કે બહારથી દેખાતા ગરીબ જેવા ઘરમાં જયારે મુલાકાત લેવામાં આવે છે ત્યારે તે ઘર અંદરથી સારું લાગે છે અને તે પરિવાર થોડું સદ્ધર હોય છે.

હકારાત્મક કાર્ય :
આજે સરકારે ગરીબ અને પછાત લોકોના ઉત્થાન માંટે ઘણા હકારાત્મક કર્યો કર્યા છે. તેમના માંટે વિવિધ શિક્ષા અભિયાનો, ઉચ્ચા અભ્યાસ માંટે સહાય, નૌકરી મેળવવામાં મદદ અને સમાજમાં સમાન દરજ્જો મેળવવામાં સહાયક યોજનાઓ અને નિયમો.

તેમ છતાં, આપના સમાજમાં જ્ઞાતિ પ્રથા હજુ પણ ચાલે છે. તે પ્રથા દૂર થઇ રહે છે પણ ખુબજ ધીમી ગતિએ. પણ મને સંતોષ છે કે સરકાર તે પ્રત્યે પ્રયત્ન કરી રહી છે.

નોંધ : અહી સરકાર થી મારો મતલબ કોઈ રાજકીય પક્ષ નથી.