Saturday, January 29, 2011

ભગવાન

માંગવાનું કહે છે તો માંગું છું હે પ્રભુ,
દઈ દે એવું મન કે માંગે નહિ કશું

સંબંધો અને નસીબ

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે?

નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ?

સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે.

બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!

Saturday, January 22, 2011

બોસ, આ અમદાવાદ છે !

અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!

અહી મજ્જાની લાઈફ છે.
ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.

અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે
કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.

અહીં ટ્રાફિક હેવી છે
દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.

અહીં કચરાની વાસ છે
કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.

અહીં ચામાં કટીંગ છે
પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.

કવિ - અધીર અમદાવાદી

Thursday, January 20, 2011

આપણને નહિ ફાવે

તમે મન મૂકી ને વરસો, ઝાપટું આપણને નહિ ફાવે,
અમે તો હેલી ના માણસ, માવઠું આપણને નહિ ફાવે.
કહો તો માછલી ની આંખ માં ડૂબકી દઈ આવું,
પણ છીછરું ખાબોચિયું આપણને નહિ ફાવે.
તું નહિ આવે તો, એ નહિ આવવું પણ ફાવશે
ઘરે આવીને, તારું પાછું જવું, આપણને નહિ ફાવે.
વફાદારી ની આ ધગધગતી તાપ્ણીઓ બુઝાવી દો,
સળગતું દિલ ને દઝાડતું કાળજું આપણને નહિ ફાવે,
તને ચાહું, ને તને ચાહનારા પણ ચાહું,
તું દિલ આપીદે પાછું, આ બધું આપણને નહિ ફાવે.
તમાચા ખાઈ લવ ગાંધીગીરી ના નામ પર
પણ આ પત્ની ને 'બા" સંબોધવું આપણને નહિ ફાવે.
"ખલીલ" અણગમતા ને ગમતો કરી લેવું નથી ગમતું
ભલે તમને બધા ને ગમે , આપણને નહિ ફાવે

- ખલીલ ધનતેજવી


Tuesday, January 18, 2011

ડર છે

વસી જવું છે આપની,
સાગર જેવી આંખોમાં પણ,
ડૂબી જવાનો ડર છે.


પામવું છે સ્થાન આપના,
ખુબસૂરત દિલમાં પણ,
બેવફાઇનો ડર છે.


- Unknown poet -

Sunday, January 2, 2011

છપ્પા (અખા ભગત)

૧.
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહતો હરીને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


૨.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?


૩.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી કયમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે?


૪.
જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાત અમે જાણી.


૫.
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.


૬.
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.


૭.
જ્યાં‌ જોઈએ ત્યાં કૂડેકૂડ, સામસામી બેઠા ઘૂડ,
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ઘરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.


૮.
લીલા વૃક્ષને ઓઠે રહે, જ્યમ પારધી પશુને ગ્રહે;
એમ હરિને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનકકામિની તણા.
અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર.

Saturday, January 1, 2011

મારુ અને તારુ

ઇશ્વર મનુષ્યને ઉદ્દેશીને
જો તુ એમ કહે કે આ મારૂ,
તો હું તને મારુ
અને
જો તુ એમ કહે કે લે, આ તારુ,
તો હું તને તારુ


–સુભાષ ઠાકર (દુરદર્શનમાં પ્રસારિત થતા કાર્યક્રમ ગમ્મત ગુલાલ માંથી )

Wednesday, December 29, 2010

લગ્ન ની રામાયણ

હવે શાંતિ રાખ ને...!

આ "પતિદેવ",
હાલતાં ને ચાલતાં દરેક વાતમાં બસ........
"હવે શાંતિ રાખ ને.........!"

સવારે ઉઠાડવા ગઈ તો,
........"હવે શાંતિ રાખ ને !" ઉઠાય છે.
"નાસ્તો શું કરશો ?" _પૂછ્યું તો,
........."હવે શાંતિ રાખ ને!" તૈયાર થઉં છું.
સાંજે office થી ઘરે આવ્યા......
પૂછ્યું :"જમવા બેસીશું ?"........
તો કહે,.."હવે શાંતિ રાખ ને !"
ક્યારેક-ક્યારેક lunch માટે ટીફીન-બોક્ષ લઇ જાય...
પૂછ્યું :"ટીફીન લઇ જશો કે જમવા આવશો ?"
તો કહે..."હવે શાંતિ રાખ ને !"

બસ.
બહુ થયું.
આ........."શાંતિ" એ તો "સારી" "સતાવી".........!

આજે ખરેખર "શાંતિ" ને "સહજતાથી" "સાંચવી" છે............

office જવા નીકળ્યા........
મને કહે, "ટીફીન ક્યાં ?"
મેં કહ્યું, "હવે શાંતિ રાખ ને !"...........
..............હજી તો રસોઈ બનાવી રહી છું...........

તો "પતિદેવ" કહે છે,
............"હવે ઉતાવળી થા ને !"

Friday, October 29, 2010

ખરાં છો તમે,

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

Friday, August 20, 1999

जिन्दगी ......

जिन्दगी तो सिर्फ सिंह जिया करते हैं.
दिग्गजों को पछाड़ जो राज किया करते हैं.
कोई न धरता किसी के शीष पर मुकुट
केहरी अपना अभिषेक स्वयं किया करते हैं.